પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતનું કોવિડ-19 રસીકરણ અભિયાન અતિ માનવીય અને મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો પર આધારિત છે. જે લોકોને રસીની સૌથી વધુ જરૂર છે તેમને પહેલા મળશે. જે લોકો સૌથી વધુ જોખમ ધરાવે છે તેમનું રસીકરણ સૌપ્રથમ થશે. તેમણે કહ્યું હતું કે, આપણા ડૉક્ટરો, નર્સો, હોસ્પિટલ સેનિટેશન વર્કર્સ અને પેરા-મેડિકલ સ્ટાફને રસી મેળવવાનો પ્રથમ અધિકાર હશે. સરકારી અને ખાનગી એમ બંને ક્ષેત્રોમાં મેડિકલ હોસ્પિટલોમાં રસી સૌપ્રથમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોવિડ-19 રસીકરણ અભિયાન ભારતભરમાં શરૂ કરાવ્યા પછી આ વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, મેડિકલ સ્ટાફ પછી આવશ્યક સેવાઓમાં સંકળાયેલા સભ્યોને અને દેશની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી અદા કરવા લોકોનું રસીકરણ થશે. આપણા સુરક્ષા દળો, પોલીસ કર્મચારીઓ, ફાયર બ્રિગેડના કર્મચારીઓ, સેનિટેશન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. આ આંકડો આશરે 3 કરોડનો હશે અને ભારત સરકાર તેમના રસીકરણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.
જ્યારે પ્રધાનમંત્રીએ અભિયાન માટે મજબૂત વ્યવસ્થાઓ વિશે સમજાવ્યું હતું, ત્યારે તેમણે બે ડોઝ લેવાનું નહીં ચુકવા વિશે કાળજી રાખવાની લોકોને સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ડોઝ વચ્ચે એક મહિનાનો ગેપ હશે. તેમણે રસી લીધા પછી પણ સાવચેતી જાળવવા લોકોને અપીલ કરી હતી, કારણ કે રસીનો બીજો ડોઝ લીધા પછી માનવીય શરીરમાં કોરોના સામે જરૂરી રોગપ્રતિકારક ક્ષમતા વિકસવાની શરૂઆત થશે.
શ્રી મોદીએ દેશવાસીઓને કોવિડ સામેની લડાઈમાં જે ધીરજ દાખવી એવી જ ધીરજ રસીકરણના સમયે દાખવવાની વિનંતી કરી હતી.
0 ટિપ્પણીઓ